સરકારી અધિકારીઓના સર્વિસ રૂલ્સ સુધારવા ચૂંટણીપંચની માંગ

               સંખ્યાબંધ સિનિયર સિવિલ સર્વન્ટ્સ ચૂંટણીઓમાં ઝુકાવી રહ્યા હોવા અંગે ચિંતિત ચૂંટણીપંચે આ અધિકારીઓ સરકારી નોકરી છોડે અને કોઇ રાજકીય પક્ષમાં જોડાય તેની વચ્ચે ‘કૂલિંગ ઓફ પીરિયડ’ રાખવા સરકારને તાકીદ કરી છે.

               ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (ડીઓપીટી)ને તાજેતરમાં આ સંદર્ભમાં ચૂંટણીપંચ તરફથી આઇએએસ, આઇપીએસ તથા અન્ય ‘એ’ ક્લાસ સરકારી અધિકારીઓના ર્સિવસ રૂલ્સમાં સુધારા સૂચવતો પત્ર સાંપડયો હતો.

  • અધિકારીઓ નોકરી છોડી રાજકારણમાં જોડાય તેની વચ્ચે થોડો ગાળો રાખવા તાકીદ

               સિવિલ સર્વન્ટ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થાય કે રાજીનામું આપે ત્યાર પછી એક વર્ષ સુધી તેને પ્રાઇવેટ જોબ કરતો રોકતા નિયમો અસ્તિત્વમાં છે પરંતુ સરકારી અધિકારીઓને રાજકીય પક્ષોમાં કે સક્રિય રાજકારણમાં જોડાતા રોકવા અંગે કોઇ નિયમો નથી.

              ચૂંટણીપંચે ડીઓપીટીને સક્રિય રાજકારણમાં જોડાતા સરકારી બાબુઓ માટે યોગ્ય ‘કૂલિંગ ઓફ પીરિયડ’ સૂચવવા જણાવ્યું હતું,જેથી તેઓ સિવિલ સર્વન્ટ તરીકે તેમની નોકરી જારી હોય ત્યારે નિષ્પક્ષ રહે અને પ્રામાણિકતા સાથે નિર્ણયો લે.

               ચૂંટણીપંચના પત્રમાં જણાવ્યાનુસાર, ચૂંટણીપંચ આ મુદ્દે એ કારણસર ચિંતિત છે કે પોલીસ અધિકારીઓ સહિતના સિવિલ સર્વન્ટ્સ કોઇ રાજકીય પક્ષમાં જોડાયા હોય કે ચૂંટણી લડવા તેમણે ઉતાવળે સરકારી નોકરીમાંથી રાજીનામા આપ્યા હોય તેવા સંખ્યાબંધ કિસ્સા ધ્યાનમાં આવ્યા છે.