બ્યુરોક્રસીના બેકબોન- એલાઇડ સર્વિસ

જે લોકો કારકીર્દીની ઘેટાચાલથી જરા હટકે કઈક કરવા માંગે છે તેમના માટે અહીં તકની કોઇ કમી નથી

સનદી સેવા પરીક્ષા આપવા માંગતા સરેરાશ ઉમેદવારને માત્ર આઇએએસ, આઇપીએસ, આઇએફએસ કે આઇઆરએસ જેવી સેવાઓની માહિતી હોય છે. પરંતુ, આ ઉપરાંત અનેકવિધ સેવાઓ કારકિર્દીની ઉજ્જવળ તકો પૂરી પાડે છે જેના વિષે પૂરતી જાણકારીનો અભાવ હોય છે. તો આજે આપણે અન્ય કેડરમાં કારકિર્દી કેવી હોય છે તેની ચર્ચા કરીએ.

સિવિલ સેવા પાસ કરીને ભારતીય રેલ્વેમાં પણ વર્ગ ૧ અધિકારી બનવાની તક મળે છે. રેલ્વેની દેશમાં ઉપયોગિતા જોતાં અને તેમાં ખૂબ મોટા પ્રમાણમા કર્મચારીઓ હોવાને કારણે રેલવેમાં પગાર, ભથ્થા અને સુવિધાઓની દ્રષ્ટિએ તે ખુબ જ પ્રચલિત છે. રેલ્વે બોર્ડ દ્વારા નાનામાં નાની ભરતીમાં જોડાવવા યુવાનોનો અદમ્ય ઉત્સાહ મેં જોયો છે! ત્યારે જો યુપીએસસી પાસ કરીને રેલવેની સૌથી ઉપરની કેડરમાં જોડાઓ તો કારકિર્દી વિષે કઈ પૂછવાનું રહેતું નથી. રેલ્વેમાં ત્રણ અલગ અલગ કેડરમાં નિમણૂક આ પરીક્ષા થકી થાય છે.

સૌથી મહત્વની સેવા ‘ઇંડિયન રેલ્વે ટ્રાફિક સર્વિસ’ છે. તેને રેલવેની કરોડરજ્જુ સમાન ગણી શકાય. રેલવેમાં માલસામાન અને પેસેંજર ટ્રાફિક પરિવહનનું સમગ્ર સંચાલન આ સેવા દ્વારા કરવામાં આવે છે. રેલવેના સમગ્ર સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને શ્રેષ્ઠ પરિણામ લાવવાની જવાબદારી આ કેડરના કર્મચારીઓની છે. રેલ્વે બોર્ડના ચેરમેન સુધી પહોંચવાની તક તેમાં મળે છે. રેલ્વે બોર્ડના ચેરમેનનું પદ અત્યંત મહત્વનુ છે. સમગ્ર દેશમાં રેલ્વે પ્રશાસનની અધ્યક્ષતા રેલ્વે બોર્ડ કરે છે. રેલમંત્રી બાદ આ બોર્ડ હોય છે.

ભારતની બ્યુરોક્રેસીની અધ્યક્ષતા ‘કેબિનેટ સેક્રેટરી’ કરે છે. રેલ્વે બોર્ડના ચેરમેન ભારત સરકારના ‘કેબિનેટ સચિવ’ને સમકક્ષ ગણવામાં આવે છે. ત્યારબાદ રેલવેને વિવિધ ઝોનમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે. પ્રત્યેક ઝોનમાં ઝોનલ મેનેજર અને ત્યારબાદ ડિવિઝનમાં ડિવિઝનલ રેલ્વે મેનેજર (ડી.આર.એમ.) મોટાભાગે આ કેડરમાથી આવે છે. આ કેડરના અધિકારીઓનો રેલ્વેમાં દબદબો અને રુઆબ હોય છે! જો દેશમાં કોઈપણ સ્થળે તેમને જવાનું હોય તો કેટ્લાક સંજોગોમા અલગ સલૂન (કોચ) ટ્રેનમાં તેમણે ફાળવવામાં આવે છે. આ ઉપરાંત રેલવેની અન્ય બે સેવાઓમા ‘ઇંડિયન રેલ્વે એકાઉન્ટ સર્વિસ’ અને ‘ઇંડિયન રેલ્વે પર્સોેનેલ સર્વિસ’ પણ મોભાદાર સેવાઓ ગણવામાં આવે છે.

યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા થકી ભારતીય લશ્કર સાથે સંકળાયેલી પણ અનેક સિવિલિયન સેવાઓ રહેલી છે. ‘ઇંડિયન ડિફેન્સ એસ્ટેટ સર્વિસ’ નામથી મોટા ભાગના લોકો પરિચિત ન હોય! આથી તેનું મહત્વ પણ જલ્દી ખ્યાલ આવતું નથી. પણ, આ સર્વિસ લશ્કરી છાવણીઓ (કેંટોનમેંટ)ના પ્રશાસન માટે સૌથી વરિશ્ઠ સેવા છે. સંરક્ષણ મંત્રાલય અંતર્ગત આવેલ ૧૭.૫૭ લાખ એકર જમીનનું વ્યવસ્થાપન તેમની પાસે હોય છે. આ ઉપરાંત લશ્કરની છાવણીઓનો વિકાસ કરવાની તેમની કામગીરી છે! ટૂંકમાં એમ કહી શકાય કે ‘લશ્કરી છાવણીઓના તેઓ ‘મ્યુનિસિપલ કમિશ્નર’ છે.

સંરક્ષણ મંત્રાલય હેઠળ આવેલી અન્ય સેવા ‘ઇંડિયન ઓર્ડીનન્સ ફેક્ટરીઝ સર્વિસ’ છે. દેશમાં લશ્કર માટે વિવિધ શસ્ત્રોનું ઉત્પાદન કરતાં કારખાનાઓનું સંચાલન કરે છે. તથા વિદેશમાંથી કયા શસ્ત્રોની આયાત કરવી ? શસ્ત્ર ખરીદી આ કેડરના ઓફિસર નક્કી કરે છે. અનેકવિધ શસ્ત્રોનું ઉત્પાદન દેશમાં થાય છે. ‘મેક ઇન ઈન્ડિયા’ યોજના હેઠળ ભારતમાં શસ્ત્રોનું ઉત્પાદન વધી રહ્યું છે અને સમગ્ર વિશ્વની અનેક ટોચની કંપનીઓ ભારતમાં આવી રહી છે ત્યારે આ સેવાનું મહત્વ વધતું જાય છે.

વળી, વિદેશમાંથી શસ્ત્રોની ખરીદીની વાત કરીએ તો ભારત સમગ્ર વિશ્વના ટોચના આયાતકર્તા પૈકી એક છે. આ સંજોગોમાં વિદેશ મંત્રાલય સાથે સંકલનમાં રહીને અનેક દેશોમાં જવાની તક મળે છે. તેમના વિશેષ અનુભવ અને જ્ઞાનને કારણે કેન્દ્રિય મંત્રીઓના સલાહકાર તરીકે, પ્રધાનમંત્રીશ્રી કે રાષ્ટ્રપતિશ્રીના સલાહકાર તરીકે પણ ક્યારેક તેઓ કાર્ય કરે છે.

આ ઉપરાંત ભારતીય લશ્કરની પોતાની હિસાબી સેવા ‘ઇંડિયન ડિફેન્સ એકાઉન્ટ સર્વિસ’ પણ છે. ભારતીય લશ્કરના હિસાબ લેખનનું કાર્ય તેઓ કરે છે. આ સેવા અંતર્ગત સંરક્ષણનું બજેટ તૈયાર કરવાનું કાર્ય, ખર્ચ પર અંકુશ રાખવાનું કાર્ય વગેરે કરે છે.

આજકાલ યંગસ્ટર્સમાં મિડિયા પ્રત્યેનો ક્રેઝ વધતો જાય છે. ત્યારે ઘણા ઓછા ઉમેદવારો ઇંડિયન ઇંફોર્મેશન સર્વિસ (આઇઆઇએસ) વિશે પરિચિત હશે! દેશના માહિતી અને પ્રસારણ મંત્રાલય માટે આ સેવા બેકબોન રૂપે કાર્ય કરે છે. દુરદર્શન, સરકારી મિડિયા, વિવિધ પુસ્તકો અને માહિતીનુ પ્રકાશન, યોજના અને કુરુક્ષેત્ર જેવા મેગેઝીનો, નેશનલ બુક ટ્રસ્ટ વગેરેનું એડમિનિસ્ટ્રેશન આ અમલદારો પાસે છે.

આમ જે લોકો કારકીર્દીની ઘેટાચાલથી જરા હટકે કઈક કરવા માંગે છે તેમના માટે અહીં તકની કોઇ કમી નથી. દેશના માટે કઈક કરવાની તમન્ના ધરાવતા તરવરીયા નવયુવાનો માટે આ સેવાઓ વાટ જોતી ઉભી છે…!