સિવિલ સર્વિસમાં રાજ્યોની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે?

ભારતીય સિવિલ સેવાઓ પૈકી આઇ.એ.એસ., આઇ.પી.એસ., આઇ.એફ.એસ.ને અખિલ ભારતીય સેવાઓ તરીકે ઓળખવામા આવે છે. ભારત દેશ એક સમવાયતંત્રી દેશ છે. એટલે કે તેમાં બે સરકારો છે. સંઘની સરકાર અને રાજ્યની સરકાર. આ બન્ને સરકારો પોતપોતાની જવાબદારીઓ પૂર્ણ કરવા પોતાના અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુક કરે છે. આમ બન્ને સરકારો પાસે અલાયદુ મહેકમ છે. જેને તેઓ પરીક્ષા યોજી સ્વાયત્ત રીતે ભરતી કરે છે.

તાલીમ આપે છે અને જે-તે કામગીરી/ઉત્તરદાયિત્વ સોંપે છે. પણ ભારતમાં માત્ર ત્રણ સેવાઓ એવી છે કે જે કેંદ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ બન્ને સરકારોને સેવા પ્રદાન કરવાની તક પ્રાપ્ત કરે છે. આથી તેને ‘ઓલ ઇંડિયા સર્વિસ’ કહે છે. દરેક ‘ઓલ ઇંડિયા સર્વિસ’ના અધિકારીને કોઇ એક ‘સ્ટેટ કેડર’ ફાળવવામાં આવે છે.

તે પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન તે રાજ્યમાં વિવિધ પોસ્ટ પર ફરજ બજાવી શકે છે. અને પ્રતિનિયુક્તિ (ડેપ્યુટેશન) અંતર્ગત કેન્દ્ર સરકારમાં ચોક્કસ કાર્યકાળ માટે ફરજ બજાવી શકે. યુપીએસસી પરીક્ષા પાસ કર્યા બાદ પોતાના પસંદગીના રાજ્યની કેડર મેળવવા દરેક પ્રોબેશનર અધિકારીની મહેચ્છા હોય છે. આ પ્રોબેશનર્સને જે-તે રાજ્યોની કેડરની ફાળવણી માટે સરકારની કેડરપોલીસી કેવી છે તે સમજવાનો પ્રયત્ન કરીયે.

આ માટે ૨૦૧૭થી અમલી વર્તમાન કેડરપોલીસી હેઠળ દેશને ૫ ઝોનમાં વહેંચવામાં આવેલ છે. ઝોન ૧ માં ઉત્તર ભારત, ઝોન ૨ માં પૂર્વ ભારત, ઝોન ૩ માં પશ્ચિમ ભારત, ઝોન ૪ માં ઉત્તર-પૂર્વ ભારત અને ઝોન ૫ માં દક્ષિણ ભારતના રાજ્યોની કેડરનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રત્યેક કેંડિડેટ જ્યારે યુપીએસસી પ્રિલિમ કસોટી પાસ થાય ત્યારબાદ ડિટેઇલ એપ્લીકેશન ફોર્મમાં તેની પાસે પ્રેફરન્સનુ લિસ્ટ માંગવામા આવે છે.

જેમાં તેણે ઝોનની પ્રાયોરિટી અને પ્રત્યેક ઝોનમાં રાજ્યો-કેડરની પ્રાયોરિટી ભરવાની હોય છે. સૌથી પહેલા ઝોનનો પ્રેફરન્સ આપવાનો હોય છે. પ્રત્યેક ઝોનમાં રાજ્યોને પસંદગી ક્રમ ત્યારબાદ આપવાનો હોય છે. દરેક ઉમેદવારને પોતાના ઘરની પાસે રહીને જોબ કરવી વધુ સગવડભર્યુ પડે આથી પોતાના રાજ્યની કેડર=હોમ કેડરને મોટાભાગે સૌ પ્રથમ પ્રાયોરિટી આપતા હોય છે. પ્રથમ પસંદગીના ઝોનમાં પ્રથમ પસંદગીનુ રાજ્ય એ હોમ સ્ટેટની કેડર હોય છે.

જેમ કે ગુજરાતમાંથી યુપીએસસી આપનાર ઉમેદવાર પશ્ચીમ ભારતમાંથી આવે છે આથી તેના માટે ઝોન-૩ પ્રથમ પસંદગી હોય તે સાધારણ બાબત છે. ઝોન-૩માં છત્તિસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ રાજ્યો છે., આ રાજ્યો પૈકી ગુજરાત હોમ કેડર હોઇ પ્રથમ પ્રેફરન્સ તેને મળે. ત્યારબાદ દ્વિતીય ક્રમે મહારાષ્ટ્ર, ત્રીજા ક્રમે મધ્ય પ્રદેશ અને છ્ત્તિસગઢ સૌથી દૂર હોઇ તેને ચોથા ક્રમે મોટાભાગે પસંદ કરવામા આવે છે.

આમ, દરેક ઝોન અને તેમાના રાજ્યોને પ્રેફરન્સ આપવાનો હોય છે. ઓનલાઇન સિસ્ટમમાં પ્રત્યેક ઝોનમાં પ્રથમ પ્રાયોરિટીના રાજ્યોની સૂચિ પસંદ કર્યા બાદ પ્રત્યેક ઝોનમાં દ્વિતિય પ્રાયોરિટીની કેડર પસંદ થઇ શકે છે. ત્યારબાદ પ્રત્યેક ઝોનમાં તૃતીય પસંદગીના રાજ્યો પસંદ કરી શકાય છે. પણ એક ઝોનમા દરેક રાજ્યોને પ્રાયોરિટી આપી ત્યારબાદ બીજા ઝોનમાં જઇ શકાતુ નથી.

જો કેન્ડીડેટ કોઇ રાજ્ય કે ઝોનને પ્રેફરન્સ આપ્યા વગર ખાલી રાખવા માંગે તો તે પણ રાખી ફોર્મ સબમિટ કરી શકે છે. પ્રથમ પ્રાયોરિટીમાં હોમ સ્ટેટ સિવાયનુ સ્ટેટ પસંદ કરવા માંગે તો તે પણ પસંદ કરી શકે છે. અહિ, નોંધપાત્ર બાબત એ છે કે ડિટેઇલ એપ્લીકેશનફોર્મમાં આપેલ સર્વિસ પ્રાયોરીટી કે કેડર પ્રાયોરીટી ત્યારબાદ બદલી શકાતી નથી. મોટાભાગના વિદ્યાર્થીઓ જ્યારે સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરે છે ત્યારે તેમને આઇ.એ.એસ., કે આઇ.પી.એસ. એવી એકાદ-બે પ્રખ્યાત સેવાઓનો જ પરિચય હોય છે.

કલેક્ટર કે એસ.પી.ના પાવરથી અંજાઇને તૈયારી શરૂ કરનાર સરેરાશ ઉમેદવાર બીજી સર્વિસ વિશે કે કેડર એલોકેશનની આટીઘૂંટીથી પરીચિત હોતો નથી. આથી પ્રિલિમ પરીક્ષા પાસ થયા બાદ ભરવાનુ ડિ.એ.એફ. પુરી જાણકારી વગર ભરે છે અને તેમા ભુલો કરી બેસે છે ત્યારે તેના રેંક પ્રમાણે મળવાપાત્ર શ્રેષ્ઠ રાજ્ય કે સર્વિસ ઘુમાવી બેસે છે.

કેડર પોલીસીનો ઉદ્દેશ્ય બ્યુરોક્રસીને વધુ ઇનક્લુઝીવ અને ડાયવર્સીફાય કરવાનો છે. કોઇપણ રાજ્યમાં જે બ્યુરોક્રસી નીતીઓના ઘડતરનું કાર્ય કરે છે તેમાં સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ મળે. એવી અમલદારશાહી બને કે દેશના સમાજનું દર્પણ હોય. જેથી દરેક જુથો/હિત-સમુદાયોના પ્રશ્નોને ધ્યાનમાં લઇને નીતિઓ કે યોજનાઓ બને. કોઇપણ રાજ્યના અમલદારશાહીતંત્રમાં રાજ્યના સ્થાનિક અધિકારીઓ (ધરતીપુત્રો) તો હોય જ પણ દેશના વિવિધ પ્રદેશોમાંથી આવેલા અધિકારીઓનું પણ સારુ એવું પ્રમાણ હોય. દરેક રાજ્યમાં જેટલા અખિલ ભારતીય સેવકોની જરૂરિયાત હોય તેમાના ૧/૩ હોમ સ્ટેટમાથી પસંદ કરવાના હોય છે અને ૨/૩ આઉટસાઇડરની પસંદગી કરવાની હોય છે. એમ દરેક રાજ્યમાં શક્ય એટલું સમાવેશી (ઇનક્લુઝીવ) બ્યુરોક્રસીનું માળખુ રચવામાં આવે.

આ નીતિ અંતર્ગત કેડરની ફાળવણી રિઝલ્ટ બાદ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (ડિઓપીટી) દ્વારા કરવામાં આવે છે. જેમાં સૌથી પહેલા હોમ કેડરની ફાળવણી કરવામાં આવે છે. ત્યારબાદ ક્યારેક એક્સચેંજ સિસ્ટમનો પ્રયોગ કરવામાં આવે છે. ત્રીજા ક્રમે આઉટસાઇડર વેકેન્સીની સીટો પર એલોકેશન થાય છે. અને ચોથા ક્રમે જે ઉમેદવારોએ કોઇ પ્રેફરન્સ નથી આપ્યા કે સિલેક્ટીવ પ્રેફરન્સ આપેલ છે તેમનું એલોકેશન કરવામાં આવે છે.

ઇનસાઇડર વેકેન્સીનુ એલોકેશન દરેક રાજ્યોની કુલ વેકેન્સીમાંથી ૩% ઇનસાઇડર વેકેન્સી રોસ્ટર પધ્ધતિથી ફાળવાય છે. ઇનસાઇડર વેકેન્સીમાંથી આરક્ષણની બેઠકો અને જનરલ બેઠકો નિર્ધારિત કરવા માટે પાછુ ૨૦૦ પોઇન્ટનું અલાયદુ રોસ્ટર રચવામાં આવેલ છે. સિવિલ સર્વિસ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યા બાદ દરેક રાજ્ય કેડરની જે બેઠકો હોમ કેડર માટે છે તેની સૌપ્રથમ ફાળવણી પાસ-આઉટ કેંડિડેટ્સ પૈકી રેંક-વાઇસ કરવામાં આવે છે.

ત્યારબાદ જે રાજ્યોમાં ઇનસાઇડર વેકેન્સીની બેઠકોની સામે પાસઆઉટ કેંડિડેટ ઓછા હોય તે રાજ્યોમાં એક્સચેેંજ પધ્ધતિનો પ્રયોગ કરવામા આવે છે. જેમ કે ગુજરાતમાં કોઇ વર્ષે ૧૫ આઇ.પી.એસ.ની જરૂર છે જેમાથી ૫ હોમ સ્ટેટ (ઇનસાઇડર) વેકેન્સી છે પણ રિઝલ્ટમા ગુજરાતના માત્ર ૨ જ ઉમેદવારો પાસ થયા છે. તો હોમ સ્ટેટની ત્રણ સીટો ખાલી રહે છે. આ સીટો માટે સૌપ્રથમ એ જોવામા આવે છે કે, સીટો જે કેટેગરીમાથી હોય તે સિવાયની કેટેગરીના કોઇ ઉમેદવાર હોમ કેડરમાથી પાસ થયા છે ? તો સીટોને જનરલ, એસ.સી., એસ.ટી. કે ઓબીસીના નિયમાનુસાર તબદીલ કરવામાં આવે છે. ત્યારબાદ પણ જો હોમ સ્ટેટની બેઠકો ન ભરાતી હોય તો તેવી બેઠકોને આઉટસાઇડર વેકેન્સીમા કન્વર્ટ કરવામા આવે છે.

ત્યારબાદ આઉટસાઇડર વેકેન્સી પર કેંડિડેટ્સની પસંદગી કરવામા આવે છે. કેંડિડેટ્સ જે ઝોનને પ્રથમ પસંદગી આપે છે તેમાના પ્રથમ પસંદગીના રાજ્યને હોમ-કેડર માનવામાં આવે છે. જેમ કે, ગુજરાતમાંથી પાસ થયેલ ઉમેદવાર ઝોન-૩ પશ્ચિમ ભારતનો હોઈ તેને પ્રથમ પસંદગી આપે તે સ્વાભાવિક છે. તેમાના ૪ રાજ્યો પૈકી ગુજરાત તેનુ પ્રથમ પસંદગીનું રાજ્ય હોય તો તેને હોમ કેડર ગણાય. જે પાસ આઉટ્સને હોમ કેડર મળતી નથી તેમને એ ઝોનના બીજા રાજ્યની પસંદગી મળતી નથી. પણ તેનો દ્વિતિય પસંદગીનો ઝોન ચેક થાય છે માનો કે તે ઉત્તર ભારત છે જેમાની ફર્સ્ટ પ્રાયોરિટીમાં રાજસ્થાન નજીક હોવાથી જો સીટ ઉપલબ્ધ હોય તો તેને આપવામાં આવે છે. તેમા ન મળે તો ત્રીજી પસંદગીનો ઝોન માનો કે દક્ષિણ ભારત છે તેમાં ફર્સ્ટ પ્રાયોરિટી કર્ણાટક છે. જો સીટ ઉપલબ્ધ હોય તો આપવામાં આવે છે.

આમ દરેક ઝોનમાં કેંડિડેટની પ્રથમ પસંદગીના રાજ્યોમાં સીટો ચેક કર્યા બાદ જો કોઇ બેઠક ઉપલબ્ધ ન હોય તો દ્વિતીય પસંદગી દરેક ઝોનમાં ચેક કરવામાં આવે છે. ત્યારબાદ તૃતીય પસંદગી પ્રત્યેક ઝોનમા ચેક કરવામા આવે છે. જ્યાં સીટ ઉપલબ્ધ હોય ત્યા ફાળવી દઇ આ પ્રોસેસ પૂર્ણ થાય છે અને આગળના ઉમેદવાર માટે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. આમ આઉટ સાઇડર વેકેન્સી એલોકેટ થાય છે.

સૌથી છેલ્લે જે પાસઆઉટ્સે કોઇ પ્રેફરન્સ આપેલ જ નથી તેમના માટે જે રાજ્યોની વેકેન્સી ઉપરની પ્રક્રિયા બાદ બચી હોય તેને આલ્ફાબેટિકલ ઓર્ડરમા ગોઠવવામા આવે છે અને રેંક અને કેટેગરીના આધારે ઉમેદવારોને ફાળવવામા આવે છે. આથી વધુ માહિતી માટે યુપીએસસીની વેબસાઇટ પર કેડર એલોકેશન પોલીસી ૨૦૧૭નો પીડીએફ ડોક્યુમેન્ટ વાંચો.

સૌજન્ય: હિરેન દવે, “અધ્યયન” કોલમ, શતદલ પૂર્તિ, ગુજરાત સમાચાર