તૈયારી શરૂ કરતાં પહેલા સોલ્વ કરવાનું છ પ્રશ્નોનુ ચેકલિસ્ટ

યુપીએસસી અને જીપીએસસી પરીક્ષાનું જ્યારે ફોર્મ બહાર પડે છે ત્યારે લાખો લોકો તેમાં ફોર્મ ભરે છે. અનેક લોકો જીવનના કિમતી વર્ષો ગુમાવી દીધા બાદ એવું રિયલાઇઝ કરે છે કે આ ફિલ્ડ તેમના માટે નથી. આવું ના બને તે માટે તૈયારી શરૂ કરતાં પહેલા મહત્વના પોઇન્ટ ધ્યાનમાં લો.

૧. લાંબા ગાળાની તૈયારી:

ખુબ જ ઓછી સીટ્સ માટે લાખો લોકો આ પરીક્ષા આપે છે. ક્યારેક વર્ષો કે પછી એકાદ દસકો તેમાં જતાં રહે છે. આવા સંજોગોમાં તમે તૈયારી શરૂ કરો તો ઓછામાં ઓછા ૨ થી ૩ વર્ષ તૈયારી કરવા માટે તમારી તૈયારી હોવી જોઇએ. યુપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલ વાર્ષિક અહેવાલ મુજબ એવું જાણવા મળે છે કે સૌથી વધુ લોકો દ્વિતીય અને તૃતીય પ્રયત્નમાં સફળ થાય છે. પ્રથમ પ્રયાસે સફળતાનો દર ખુબ જ નીચો છે. ચોથા પ્રયત્ન સુધી સફળતા દર સારો એવો છે. જીપીએસસીની પરીક્ષાઓ ભૂતકાળમાં વર્ષો સુધી ખેંચાઈ પણ છે. જેથી જો તમારી લાંબા ગાળા સુધી ટકવાની માનસિક તૈયારી હોય તો જ આ ફિલ્મમાં આવો.

૨. બેક-અપ પ્લાન :

પરીક્ષામાં ગળાકાપ સ્પર્ધા છે. ૯૯.૯% લોકો ક્યારેય તેમાં સફળ થવાના નથી. આથી ક્યારેક બેક-અપ પ્લાન પણ રાખો. જો આ પરીક્ષામાં સફળતા ન મળી તો શું ? જીવન અહીથી પુરું નથી થતું! આથી તમારી પાસે બેક-અપ પ્લાન હોવો જોઇએ કે જેથી તમારી કેરિયર બગડે નહીં. કોઇ પાસે ફેમિલી બિઝનેસ હોઈ શકે. અથવા તો તમારા અભ્યાસના ક્ષેત્રમાં આગળ વધી શકો. ઘણા લોકો કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રમાણમાં સરળ પરીક્ષાઓ જેવી કે બેન્ક પીઓ, એસએસસી સીજીએલ, એલઆઈસી જેવી કે પછી રાજ્ય સરકારની ડીવાયએસઓ, તલાટી, પીએસઆઈ જેવી પરીક્ષાઓ પણ આપતા હોય છે. માટે વિચારો કે જો તમે નિષ્ફળ ગયા તો શું કરશો ?

૩. ફાઈનાન્શીયલ મેનેજમેન્ટ :

જો તમે આ પરીક્ષા આપવા માંગતા હોવ તો આટલા લાંબા સમય સુધી વાંચન કરવા, કદાચ ક્લાસ કરવા, બુક્સ, મટિરિયલ કે ટેસ્ટ સીરિઝ લાવવા પૈસાની જરૂર પડશે. તો તેનો વાસ્તવિક અંદાજ લગાવી એક બજેટ બનાવો. શું તમારી પાસે આ વ્યવસ્થા થઇ શકે તેમ છે ?

૪. એલાઇડ સર્વિસ :

મોટાભાગના લોકો આ પરીક્ષા એટલા માટે આપવા માંગતા હોય છે કે તેમણે કલેક્ટર બનવું હોય છે. પણ વાસ્તવિક રીતે યુપીએસસી સિવિલ સેવા પરીક્ષામાં પચ્ચીસ જેટલી સેવાઓ છે. જીપીએસસીમાં પણ અનેક સર્વિસ છે. શું તમે તેમાં સિલેક્ટ થાવ તો તે સ્વીકારવા તૈયાર છો ? જેમ કે જો જીપીએસસી પરીક્ષા પાસ કરીને ૩૦૦માંથી ૨૮૦ જેવો ક્રમ આવે અને ‘જિલ્લા શ્રમ અધિકારી’ કે ‘સિવિલ સપ્લાય અધિકારી’ અથવા ‘જિલ્લા જમીન દફ્તર નિરીક્ષક’ તરીકે પસંદગી થાય તો પણ શું તમે તેમાં ખુશ રહેશો ?

૫. કોલેજની પરીક્ષા કરતાં તદ્દન જુદી :

આ પરીક્ષા કોલેજની પરીક્ષા કરતાં તદ્દન જુદી છે. કોલેજની પરીક્ષામાં કદાચ એવું બને કે તમે ખુબ જ ઓછું વાંચીને પણ સરસ માર્ક મેળવી શકતા હોવ, પણ અહી અનેક નવા વિષયોનો અભ્યાસ કરવાનો છે. માટે વર્ષો સુધી ઓછામાં ઓછું રોજનું ૬-૭ કલાક વાચંન જરૂરી છે. આવા સંજોગોમાં ટકી રહેવું પડે. વળી, કોલેજમાં જે-તે વિદ્યાશાખા કદાચ તમે પસંદ કરી હોય તેમાં જ મનપસંદ અભ્યાસ કરતા હોઈ શકો. પણ અહી તમને ગમે અથવા બોરિંગ લાગે પણ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જેવા અનેક વિષયોનું પરિશીલન કરવું પડે તો શું તમે તેના માટે સજ્જ છો ?

૬. અગવડતા સાથે સમાધાન :

આ પરીક્ષાની તૈયારી માટે અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં અભ્યાસ માટે જવાનું થાય. યુપીએસસી માટે તો અનેક લોકો દિલ્હી પણ જતાં હોય છે. મોટા શહેરોમાં રહેવું, એકલતા અનુભવવી, ટિફિનમાં જમવું, પીજીમાં રહેવું વગેરે ખુબ જ ટફ છે. માટે વિચારો કે આર યુ રેડી ?!

સૌજન્ય: હિરેન દવે, “અધ્યયન” કોલમ, શતદલ પૂર્તિ, ગુજરાત સમાચાર

આપનો પ્રતિભાવ આપવા વિનંતી છે