રાજ્યના અનેક શિક્ષકો કોરોનાની ડ્યૂટી વખતે સંક્રમિત થયા હતા. આ મુદ્દે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સરકાર સમક્ષ સંક્રમિત થયેલા શિક્ષકોને ઓનડ્યૂટી ગણવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્ત પર નિર્ણય લેવામાં આવ્યો છે અને સંક્રમિત થયેલા શિક્ષકોને ખાસ કિસ્સામાં 10 દિવસની મેડિકલ રજા મંજૂર કરવાનું નક્કી કરાયું છે. આ અંગે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પરિપત્ર કરી સંક્રમિત શિક્ષકો અંગે યોગ્ય નિર્ણય કરવા માટે સૂચના આપી છે.
રાજ્યમાં કોરોનાના આગમન સાથે જ શિક્ષકોને કોરોનાની ડ્યૂટી સોંપવામાં આવી હતી. જેમાં અનેક શિક્ષકો સંક્રમિત થયા હતા. જે પૈકી અમુક શિક્ષકોના તો મૃત્યુ થયા હતા. આમ, કોરોનાની ડ્યૂટી વખતે શિક્ષકો સંક્રમિત થયા હોવાથી તેમને ફરજ પર ગણવા અંગે રજૂઆતો થઈ હતી.
કોવિડ-19 વાયરસથી સંક્રમિત શિક્ષકોને ઓનડ્યૂટી ગણવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સરકાર સમક્ષ દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને લઈને વિભાગમાંથી સૂચનાઓ મળી આવી હોવાની જાણ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને કરવામાં આવી છે.
સરકાર દ્વારા શિક્ષકોને ઓનડ્યૂટી ગણવા માટે નક્કી કર્યું છે. જેમાં શિક્ષકો પોઝિટિવ આવે અ તે અંગેનું અધિકૃત મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરે તો આવા કર્મચારીને ખાસ કિસ્સામાં 10 દિવસની મેડિકલ રજા મંજૂર કરવાની રહેશે. આ 10 દિવસની રજા તેમના ખાતે જમા મેડિકલ રજાના હિસાબમાં ઉધારવાની રહેશે. પરંતુ જો કોઈ કિસ્સામાં કર્મચારીના રજા હિસાહમાં આ હેતુ માટે 10 દિવસની મેડિકલ રજાઓ જમા ન હોય તો તે કિસ્સામાં પણ તેઓને 10 દિવસ સુધીની ખુટતી મેડિકલ રજા મળવાપાત્ર થશે. આ જોગવાઈ કેલેન્ડર વર્ષ 2020 અને કેલેન્ડર વર્ષ 2021 માટે લાગુ પડશે.
નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા અન્ય કર્મચારીઓની રજા અંગેના ઠરાવનો જ અમલ શિક્ષકો માટે પણ કરવાનું નક્કી કરાયું હોવાનું સામે આવ્યું છે. જેથી પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પરિપત્ર કરી નાણાં વિભાગના ઠરાવની સુચનાઓ અનુસાર જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા કોરોના વાયરસથી સંક્રમિત શિક્ષકોના કિસ્સામાં ખાસ પરિસ્થિતિમાં નિર્ણય કરવા માટે સૂચના અપાઈ છે.
સૌજન્ય: નવગુજરાતસમય, તા.15/09/2021