ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકોની બદલી માટેના નિયમોમાં મહત્વના સુધારા જાહેર કર્યા છે.જે મુજબ હવે ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ અલગ અલગ એકમ ગણીને શિક્ષક કે વિદ્યાસહાયકની બદલી પણ અલગ અલગ જ કરવાની રહેશે. એટલે કે વધઘટના કિસ્સામાં ધોરણ ૧ થી પ ના શિક્ષકની બદલી ધોરણ ૬ થી ૮ માં અને ધોરણ ૬ થી ૮ના શિક્ષકની બદલી ધોરણ ૧ થી પ માં પરસ્પર રીતે નહી થઈ શકે તેમજ એક જ સ્કૂલમાં બદલી નહી કરી શકાય.
વધ-ઘટ બદલી કેમ્પના કિસ્સામાં પણ સરકારના આ સુધારેલા નિયમો લાગુ થશે.
રાજ્યમાં આવેલી જીલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની સરકારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની કોર્પોરેશનની ધોરણ ૧ થી ૮ ની સ્કૂલોમાં શિક્ષકોની કે વિદ્યાસહાયકોની બદલીને લઈને અત્યાર સુધી મહત્વના ત્રણ ઠરાવ થયા છે. જેમાં ૨૦૧૨, ૨૦૧૪ અને ૨૦૧૬માં જરૂરી સુધારાઓ સમયાંતરે થયા છે. ત્યારબાદ કેટલાક વધુ સુધારાઓ વ્યાપક પ્રમાણમા આવેલી રજૂઆતોને ધ્યાને લઈને કરવાની જરૂર હોવાથી સરકારના શિક્ષણ વિભાગે ધોરણ ૧ થી ૫ એટલે કે પ્રાથમિક શિક્ષણ અને ધોરણ ૬ થી ૮ એટલે કે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં શિક્ષક કે વિદ્યાસહાયકની બદલી માટે નિયમોમાં સુધારાનો ઠરાવ કર્યો છે.
ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં શિક્ષક કે વિદ્યાસહાયકની બદલી માટે નિયમોમાં સુધારાનો ઠરાવ કર્યો.
આ નવા સુધારા મુજબ વધઘટની બદલી કરતી વખતે હવેથી ધોરણ ૧ થી ૫ ની લાયકાત ધરાવતા શિક્ષકને ધોરણ ૬ થી ૮ માં અને ધોરણ ૬ થી ૮ ના શિક્ષકને ધોરણ ૧ થી ૫ માં બદલી કરી શકાશે નહી. અગાઉ એક જ સ્કૂલમાં જો ધોરણ ૧ થી ૫ માં શિક્ષકની વધ હોય તો ધોરણ ૬ થી ૮ માં અને ધોરણ ૬ થી ૮ માં વધ હોય તો ધોરણ ૧ થી ૫ માં બદલી કરી દેવાતી હતી પરંતુ હવેથી થઈ શકશે નહી જેથી જે તે વિષયના શિક્ષકની જ્યાં ખરેખર જરૂર હોય તે સ્કૂલમાં બાળકોને ભણાવવા માટે મળી રહે. આ ઉપરાંત અન્ય મહત્વના સુધારામાં હવે ગાંધીનગરમાં સચિવાલય ઉપરાંત અન્ય વિભાગો કે ખાતાઓ કે જેની વડી ઓફિસ રાજ્યમાં બીજે ક્યાંય ન હોય તેવા કિસ્સામાં બિન બદલીપાત્ર સરકારી અધિકારી-કર્મચારીના પતિ કે પત્નીને ગાંધીનગર જિલ્લાની સ્કૂલમાં ખાલી જગ્યા પર બદલી કરી શકાશે.
અગાઉ માત્ર સચિવાલયમાં જ કામ કરતા હોય તેવા સંચિવાલય સંવર્ગના અધિકારી-કર્મચારીના પતિ કે પત્ની જો અન્ય કોઈ જિલ્લામાં સરકારી શિક્ષક હોય તો તેની બદલી પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જ થઈ શકતી હતી. પરંતુ હવેથી સચિવાલય ઉપરાંત જીપીએસસી સહિતના અન્ય વિભાગો કે ખાતાઓના કર્મચારી-અધિકારીના પતિ કે પત્નિની બદલી ગાંધીનગર જિલ્લામાં થઈ શકશે. સરકારે આ નવા સુધારામાં હાઈકોર્ટના કર્મચારી-અધિકારીને પણ સામેલ કર્યા છે અને જે મુજબ હવેથી હાઈકોર્ટના અધિકારી કે કર્મચારીના પતિ કે પત્ની જો કોઈ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક -વિદ્યાસહાયક હોય તો તેમની બદલી અમદાવાદ જિલ્લામાં જે સ્કૂલમાં ખાલી જગ્યા હોય ત્યાં થઈ શકશે.
You must log in to post a comment.