સરકારી કર્મચારીઓના પગારમાં ૩૦ % ઘટાડાની શકયતા.

કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે દેશભરમાં અનેક લોકોની નોકરી જતી રહી છે તો મોટાભાગની કંપનીઓમાં નોકરી કરતા લોકોના પગારમાં ઘટાડો થયો છે. રાજય સરકારની આવકોમાં પણ ઘટાડો થયો છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મોઘવારી ભથ્થા સ્થગિત કર્યા બાદ હવે તેમના પગારમાં પણ ૩૦ ટકાનો ઘડાટો કરે તેવી શકયાતા છે.

સરકારે આ પહેલા ધારાસભ્યોના પગારમાં ૩૦ ટકાનો કામ મૂકી દીધો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોરોના મહામારીમાં સરકારી ખર્ચ ઘટાડવા માટે સરકારના ઉચ્ચ અધિકારીઓ ચર્ચા કરી રહ્યા છે. કારણ કે રાજય સરકારની આવકમાં પણ ખૂબ મોટો ઘટાડો નોંધાતા અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે સરકાર કેટલાક આકરા પગલા લઈ શકે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજય સરકાર પણ ખાનગી કંપનીઓની જેમ પોતાના કર્મચારીઓના પગારમાં ૧૦ થી ૩૦ ટકાનો કાપ મૂકી શકે છે. જોકે ફિકસ પગાર પર કામ કરતા કર્મચારીઓને તેમાં રાહત મળે તેવી શકયતા છે. આ અંગેનો નિર્ણય આગામી ચોમાસું સત્રમાં લેવાઈ શકે છે. તો હવે જોવાનું રહેશે કે સરકારના આ નિર્ણય સામે સરકારી કર્મચારીઓનું કેવું રિએકશન આવે છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારે નાણાં વિભાગ, કાયદા વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગના પીઢ અધિકારીઓ સાથે આ મામલે ચર્ચા બાદ ઉચ્ચ અધિકારીઓ પાસે અભિપ્રાય માગ્યા છે. આ કપરી ઘડીમાં ખાનગી ક્ષેત્રમાં મોટા પાયે પગારકાપથી માંડીને છટણી જેવા આકરા પગલા લેવાયા છે. અનેક વ્યવસાયકારોની માઠી દશા ચાલી રહી છે. ત્યારે રાજ્ય સરકારે બજેટમાં અંદાજેલી આવકમાં નોંધપાત્ર ઘટાડો આવી રહ્યો છે. સામા પક્ષે કોરોના ડામવાની ઝુંબેશ અંતર્ગત ખર્ચનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે.

આ સ્થિતીમાં રાજ્યની તિજોરી પરનો ભાર હળવો કરવા માટે ધારાસભ્યનો પગારમાં ૩૦ ટકા કાપ મૂકવાનો નિર્ણય જાહેર થયો હતો. સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને પણ સ્થગિત કરી દેવામાં આવ્યા હતા. હવે માર્ચ-૨૦૨૧ સુધી રાજ્ય સરકારના કર્મચારી -અધિકારીઓના પગારમાં ૩૦ ટકા સુધીનો કાપ થાય તેવી શકયતા છે. કર્મચારીઓના હોદ્દા અને પગાર મુજબ ૧૦ થી ૩૦ ટકાના સ્લેબના પગાર કાપ મૂકવો કે પછી દરેકના પગારમાં એક સમાન દરે કપાત મૂકવી તે અંગે હાલ વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. ફિકસ પગારમાં કામ કરતાં કર્મચારીઓ અને કોન્ટ્રાકટ કે આઉટસોર્સિંગના કર્મચારીઓને આ પગાર કપાતમાંથી બાકાત રખાય તેવી શકયતા છે. આ અંગે વિશ્વસનીય સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ટૂંક સમયમાં વિધાનસભા સત્ર યોજાવાનું છે. ત્યારે સત્ર દરમિયાન આ અંગે જાહેરાત થાય તેવી શકયતા છે.

સૌજન્ય: “અકિલા”