નિવૃત કર્મચારી સામે ભરતી માત્ર ૨૦ ટકા : આઠ લાખ કરતાં વધારે સંખ્યાબળ ધરાવતી ગુજરાત સરકારમાં ૨૦૦૫ પછી નિવૃત્તિની સંખ્યા વધતી જાય છે.
ગુજરાત સરકારની વિશાળ કર્મચારી ફોજ નિવૃત્તિના આરે છે. છેલ્લા પાંચ વર્ષમાં પ્રતિવર્ષ સરેરાશ ૧૫ હજારથી ૧૭ હજાર કરતાં વધુ કર્મચારીઓ વય નિવૃત્ત થયા છે. ૨૦૧૯માં નિવૃત્તિનો આંકડો સૌથી વધુ ૧૯,૭૦૦ કર્મચારીનો હતો જ્યારે ૨૦૨૦માં આ આંકડો ૧૭૫૦૦ની આસપાસ જોવા મળી રહ્યો છે. આઠ લાખ કરતાં વધુ સંખ્યાબળ ધરાવતી ગુજરાત સરકારમાં ૨૦૦૫ પછી નિવૃત્તિની સંખ્યા વધતી જાય છે. ખાસ કરીને જૂન મહિનામાં નોકરીમાં દાખલ થયેલા હજારો કર્મચારીઓ આ જ મહિનામાં વય નિવૃત્ત વધારે થાય છે. નિવૃત્ત થયેલા આ કર્મચારીઓમાં સરકારની વિવિધ કચેરીઓ, શિક્ષકો, પ્રોફેસરો, ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના કર્મચારીઓ, બોર્ડ-કોર્પોરેશનના કર્મચારીઓ તેમજ વિવિધ પંચાયતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દરવર્ષે જેટલા કર્મચારીઓની ભરતી કરે છે તેનાથી ૧૦ ગણા કર્મચારીઓ નિવૃત્ત થાય છે. ગુજરાત સરકારના વહીવટમાં કાર્યકુશળ અને સિનિયર મોસ્ટ અધિકારીઓની એક મોટી ફોજ નિવૃત્તિના આરે છે ત્યારે સરકારના વિભાગોને અનુભવી વિભાગીય વડા મળવા મુશ્કેલ જણાઇ રહ્યાં છે.
ગુજરાત વહીવટી સેવાના સિનિયર ઓફિસરોની પણ આવી જ હાલત છે. એક મોટી ટીમ નિવૃત્તિના પથ પર છે. બીજી તરફ સરકારમાં વર્ગ-૧ થી વર્ગ-૩ના કર્મચારીઓની નિવૃત્તિનો આંકડો પ્રતિવર્ષ ૧૮ હજાર કરતાં વધી ગયો છે જે સરકાર માટે સોચનિય બાબત છે. પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડની કચેરીના જણાવ્યા પ્રમાણે સરકારી કર્મચારીઓની જેમ પ્રતિવર્ષ ૩૦૦૦ થી ૫૦૦૦ જેટલા સરકારી શિક્ષકો પણ નિવૃત્ત થઇ રહ્યાં છે. નિવૃત્ત થતાં શિક્ષકો સામે રાજ્ય સરકાર શિક્ષણમાં વિદ્યા સહાયકોની નિયુક્તિ કરી રહી છે પરંતુ સચિવાલય તેમજ અન્ય સરકારી કચેરીઓના કર્મચારીઓની નિવૃત્તિ સામે એટલી ભરતી થતી નથી. આગામી બે વર્ષમાં પણ કર્મચારીઓની નિવૃત્તિનો આંકડો ૩૪ હજાર કરતાં પણ વધારે જોવા મળશે. ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના અગ્રણી વિષ્ણુભાઇ પટેલ કહે છે કે, દર વર્ષે હજારો કર્મચારીઓ નિવૃત્ત થતા હોવા છતાં નવા કર્મચારીઓ લેવામાં આવતા નથી પરિણામે વહીવટી માળખું વેરવિખેર બન્યું છે. સરકારમાં ઇજનેરો, કાયદાના નિષ્ણાંતો અને ટેકનિકલ સ્કીલ ધરાવતા અધિકારીઓની મોટી ખોટ વર્તાઇ રહી છે. પ્રતિવર્ષ ૧૭ હજારની નિવૃત્તિ સામે સરકારમાં માત્ર વર્ષે ૧૫ થી ૨૦ ટકા નવા કર્મચારીની ભરતી થતી હોય છે જે છેવટે હયાત કર્મચારી પર કામનું ભારણ વધારે છે.
સૌજન્ય: “અકિલા”
You must log in to post a comment.